સનાતનધામ આનંદ આશ્રમ વનથળ
પ.પૂ.બા.બ્ર. ૧૦૮ ધર્મસેવાલંકાર વનથળ નિવાસી સદ્દગુરૂદેવ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ એક મહાન અવતારી સંત હતા, તેમના કુળદેવી માતા રાજલના વરદાનથી તેઓશ્રીએ મોરબી પાસેના શાપર ગામમાં જન્મ લીધો હતો, ભગવાનનો સાક્ષાત્કાર તેઓશ્રીને ગીરનારમાં સીતાવન અને ભરતવન વચ્ચે તેઓએ તપસ્યા કરી ત્યારે થયો હતો, અને ભગવાનની આજ્ઞાનુસાર તેઓએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ગુજરાતના ગામડે-ગામડે ઉઘાડા શરીર અને ઉઘાડા પગે ફરી ફરીને લોકોને સનાતન ધર્મ - માનવધર્મનો ઉપદેશ આપી લાખો મનુષ્યના જીવનમાં ભગવાન પ્રત્યે શ્રધ્ધાની જ્યોત પ્રગટાવી સાથે સાથે માનવધર્મની સાચી સમજ આપીને અનેક કુટુંબોને ધર્મમય અને વ્યસનમુક્ત કર્યો.
આવા મહાન અવતારી તપસ્વી, બાલબ્રહ્મચારી અને વચનસિધ્ધ એવા શ્રી પુરુષોત્તમબાપુ ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં જીવનના ૬૯ વર્ષ સુધી ભ્રમણ કરીને લોકકલ્યાણ અને વિશ્વશાંતી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરીને અમર થઈ ગયા, તેઓશ્રીએ ૧૯૮૯ માં પોતાની જીવનલીલા વિરમગામ પાસેના વનથળ ગામ કે જે તેમની કર્મભૂમિ છે અને તેઓશ્રીએ આનંદ આશ્રમની સ્થાપના કરી છે ત્યાં સંકેલી લીધી.
વનથળધામ ખાતે પૂ. પુરુષોત્તમબાપુની સમાધિ અને સ્મૃતિ મંદિરમાં દર પૂનમે, ધૂળેટીએ, દિવાળીએ અને દર ગુરુપૂર્ણિમાએ લોકમેદની ઉમટી પડે છે અને સમાધિ સ્થળ ઉપર શ્રધ્ધા સુમન અર્પણ કરી મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે.
આજે વિરમગામથી ૧૭ કિ.મી. દૂર આવેલ વનથળધામ તીર્થક્ષેત્ર બની ગયું છે. સનાતનધામ વનથળની ગાદી ઉપર આજે પ્રાતઃસ્મરણીય વિદ્યમાન મહંત શ્રી દિનબંધુલાલજી મહારાજ બિરાજમાન છે, તેઓશ્રી પૂ. પુરુષોત્તમ બાપુએ પ્રગટાવેલી ધર્મની જ્યોતને આગળ ધપાવી રહ્યા છે અને સનાતનધર્મ, માનવકલ્યાણ અને ગૌ સેવાની અમૂલ્ય સેવા કરવા પોતાનું જીવન સમર્પિત કરેલ છે. વધુમાં તેઓશ્રીએ વિક્રમ સંવત ૨૦૫૧ ની સાલમાં માગસર સુદ ૮ થી ૧૦ સુધી અતિરુદ્ર મહાયજ્ઞ અને ત્યારબાદ સનાતનધામ સ્મૃતિ મંદિર સેવાશ્રમ સંકુલ અને હરિહર ગૌશાળાની સ્થાપના કરી છે. મહંતશ્રી દિનબંધુ લાલજી મહારાજશ્રી પાસે અનેક શ્રદ્ધાળુઓ સદ્દગુરુ મંત્રની દિક્ષા લઈને તેમના જીવનમાં સુખ-શાંતિ અને ભક્તિરસનું પાન કરી રહ્યા છે.